સૂરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ
સુરતઃશુક્રવાર: સુરત સહિત દેશભરમાં ધીમે ધીમે છુટછાટો સાથે ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી સખ્યામાં શ્રમિકો સુરત આવી રહ્યા છે. હાલ સુરતના કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આવા સમયે ફરીથી કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તેમજ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને નિયત્રિત કરવાં માટે બહારથી સુરતમાં પ્રવેશ કરતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર કામરેજ વિસ્તારના વાલક ચાર રસ્તા તેમજ પલસાણા ભાટિયા ચાર રસ્તા પર કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
જ્યાં સુરત બહારના અન્ય પ્રાંત તથા જિલ્લાઓમાંથી આવતા લોકોને થર્મલ ગન દ્વારા ચેકીંગ કરી જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરી જરૂરી દવા આપવામાં આવે છે ઉપરાંત જરૂર જણાય તો સ્મીમેર અથવા નવી સિવિલ હોસ્પીટલમાં રિફર કરવામાં આવે છે. આ સેન્ટર ઉપર રોજના ૮૦૦ થી ૯૦૦ લોકોની પૂછપરછ કરી ક્યાંથી આવે છે અને સુરતના કયા વિસ્તારમાં જઈ રહ્યા છે તેમજ કેટલા દિવસ સુરતમાં રોકાવવાના છે તેવી તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
વાલક પાટીયા ખાતે ફરજ પર હાજર ડો. વિશાલ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો સુરત બહારથી આવે છે તેમના અહી ચેકીંગ કરીને જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. રીપોર્ટ મુજબ યોગ્ય સલાહ સૂચનો આપી હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.
પલસાણા ચોકના રેપીડ ટેસ્ટ સેન્ટરના લેબ ટેકનીશીયન પરેશ પટેલ જણાવ્યું કે, સુરત બહારથી આવતા લોકોના સેમ્પલ લઈ ત્વરિત ટેસ્ટ કરવામાં આવે છે. જો પોઝીટીવ રિપોર્ટ આવે તો તેમણે સિવિલ અથવા સ્મીમેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવે છે.
મહારાષ્ટ્રથી આવતા યોગેન્દ્ર નિશાદ તથા તેમના ભાઈ દેવેન્દ્ર નિશાદને પલસાણા રેપીડ ટેસ્ટ સેન્ટર ઉપર ચેક કરતાં તેઓ ડીંડોલી વિસ્તારના સોમનાથ નગરના રોકાણ કરવાના હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક તેમનો રેપીડ ટેસ્ટ કરતાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને આગળની સલાહ સૂચનો આપી સુરતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. યોગેન્દ્ર નિશાદ જણાવે છે કે, સુરત અમારી કર્મભૂમિ છે લોકડાઉન થતા અમે અમારા વતન ગયા હતા. હાલ પરિસ્થિતિ સારી થતા ઉદ્યોગ ધંધા ચાલુ થયા છે અને રોજગારી માટે પાછા સૂરત આવ્યા છીએ. સરકાર દ્વારા સ્વાસ્થ્યની જે કાળજી લેવામાં આવી રહી છે તે બદલ તેમણે સરકારનો આભાર માન્યો હતો.
૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી
સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરતના ૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દાદીમાંએ સાબિત કર્યું કે જિંદગી અને કોરોના વચ્ચેના જંગમાં ‘હું પણ કોરોના વોરિયર..’ છું. પરિવારના માનવામાં આવતું ન હતું કે ફરીવાર દાદીમાં સહીસલામત ઘરે આવશે.
મૂળ રાજસ્થાનના ફતેહપુરના વતની અને હાલ પર્વતપાટિયા વિસ્તારના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા સાવિત્રીબેન શર્માને તા.૦૬ ઓગસ્ટના રોજ તાવ અને શરદી ઉધરસના લક્ષણો જણાયા હતાં. બે દિવસમાં સુધારો ન થતાં તા.૦૮ ઓગસ્ટના રોજ પરિવારજનો તપાસ કરાવવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને સારવાર અર્થે સ્ટેમ સેલ બિલ્ડીંગના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
રેસ્પિરેટરી મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભૂમિકા પટેલે જણાવ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી કોવિડ આઈસીયુ વિભાગમાં ફરજ બજાવી રહી છું. ૮૧ વર્ષીય સાવિત્રીબેનને કોવિડ વોર્ડમાં એડમિટ કરાયા ત્યારે તેમની ઉંમર જોઈને તેઓ કોરોના સામેની લડાઈમાં વિજયી થશે કે કેમ તેના વિષે શંકા હતી. શ્વસનની સમસ્યાના લીધે તેઓને શરૂઆતમાં પાંચ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ જ્યારે દાદીને પૂછ્યું કે, ‘દાદી,તમે કંઈ જમતા કેમ નથી ?’ ત્યારે દાદીએ કહ્યું કે, ‘હું છેલ્લા આઠ વર્ષથી ભોજનમાં માત્ર ફળો જ ખાઉં છું.’ અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ અનાજના સ્થાને માત્ર ફળો જ આહારમાં લેતા હતાં. અમે પણ તેમની રૂચિ મુજબના ફળો અને જ્યુસ આપતાં હતા. સાવિત્રીબેનની શ્વસનક્રિયા સામાન્ય થતાં નોર્મલ એરમાં રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તા.૧૭મી ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
ડો.ભૂમિકાબેને વધુમાં જણાવ્યું કે, સાવિત્રીબેન જેવા મોટી ઉમરના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે જાય ત્યારે અમને ખુબ ખુશી થાય છે. દાદીમાંને સ્વસ્થ કરવામાં અમારી ટીમે સફળતા મેળવી ત્યારે કોરોનાકાળની અમારી ફરજ દરમિયાનની આ યાદગાર ક્ષણ બની ગઈ છે. કોરોનાને વયોવૃદ્ધ દર્દીઓ પણ હરાવી શકે છે.
સ્વસ્થ થયેલાં દાદીમાંના અવાજમાં રણકો હતો. તેમણે જણાવ્યું કે, ‘મને સફેદ વાઘામાં રહેલાં ભગવાન જેવા ડોક્ટરોએ મને જીવતી રાખી છે. જાણે હું એમની સગી દાદી હોઉં એવાં ભાવથી ડોકટરો અને નર્સ બહેનો મારી સારસંભાળ રાખતા હતા.
નવી સિવિલ અને સ્મીમેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છેલ્લાં પાંચ મહિનાથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમની સારવારથી આબાલવૃદ્ધ દર્દીઓ સ્વસ્થ થઈને નવી આશા અને ઊર્જા સાથે ઘરે જાય છે. આવા હજારો દર્દીઓમાં જ્યારે વયોવૃદ્ધ વડીલો કોરોનાને હરાવી સ્વસ્થ થાય ત્યારે સૌથી વધુ ખુશી સારવાર કરતાં તબીબો અને સ્ટાફને થતી હોય છે.
સુરતના ૫૭ વર્ષીય શૈલેશભાઈ બ્રહ્મભટ્ટ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા
સુરતઃશુક્રવારઃ- સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સતત ૧૮ દિવસ ઓક્સીજન પર રહી ૫૭ વર્ષીય શૈલેશભાઈ બ્રહ્મભટ્ટ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે.પોતાના પરિવારના વડા સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તંદુરસ્તી બક્ષવાનો યશ તેઓ કોરોના યોદ્વા ડોકટર અને આરોગ્ય સ્ટાફને આપે છે.
સુરતના ડીંડોલી વિસ્તારના ઓમનગર સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ મગનભાઈ બ્રહ્મભટ્ટ મૂળ ખેડા જિલ્લાના પરીયેજ ગામના વતની છે. વર્ષોથી સુરતમાં રહી ઇન્સોરેન્સ સેક્ટરમાં એડવાઈઝર તરીકે કાર્ય કરે છે. તેમના પરિવારમાં આજે ખુશહાલીનો માહોલ છે.
શૈલેષભાઇ જણાવે છે કે, મને તાવ અને ખાંસી જણાંતા ફેમીલી ડોક્ટરથી સારવાર લીધી હતી. ૨૧ જુલાઈના રોજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી હતી. જ્યાં ઓક્સીજન સેચ્યુરેશન લેવલ ઓછુ હતું. ત્વરિત સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. શ્વાસની તકલીફના કારણે ઓક્સીજન આપવામાં આવ્યો હતો. બીજા દિવસે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ ડોક્ટર દ્વારા સારવાર પહેલાથી જ આપવામાં આવી રહી હતી. જેના કારણે આજે મને નવજીવન મળ્યું છે અને મારા પરિવારમાં પણ ખુશાલીનો માહૌલ છવાઇ ગયો છે.
હોસ્પીટલમાં સવાર-સાંજ ડોક્ટર વિઝીટ કરી મારી તબિયત ચેક કરતા. તેમજ દિવસભર હોસ્પીટલનો અન્ય સ્ટાફ અમારા સ્વાસ્થ્યની કાળજી લેતો હતો. તેથી ડોક્ટરની અને સ્ટાફની સખત મહેનત જોઈ મને પણ વિશ્વાસ થયો કે હું આ બીમારીમાંથી બહાર આવી જઈશ, એમ શૈલેષભાઇ જણાવે છે.
શૈલેષભાઇની તંદુરસ્તીમાં સુધારો થતાં, ૫ ઓગસ્ટના રોજ સુરત જનરલ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં સંપૂર્ણ સ્વસ્થ થતા ૭ ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી. તેમજ ૧૦ દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી હતી.
શૈલેશભાઈ કહે છે કે, સ્મીમેર હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસર સારવાર તેમજ સવાર સાંજ ચા-નાસ્તો, ભોજન, પાણી આપવામાં આવતું હતું. આવી તમામ રીતે લેવાયેલી પૂરતી કાળજીના કારણે ૧૮ દિવસ સતત ઓક્સીજન પર રહી કોરોનાની લાંબી લડાઈ લડ્યો છુ. જેનું સંપૂર્ણ શ્રેય હોસ્પીટલના તમામ સ્ટાફને જાય છે. તેઓએ મને નવજીવન આપ્યું છે તેઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સામાન્ય જનતા માટે આશિર્વાદરૂપ બની છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં પરિવારના વડા જેમના ઉપર ઘરની ગુજરાન ચલાવવાની જવાબદારી હોય અને તે સભ્યને કોરોનાનું સંક્રમણ થાય તો પરિવાર પર આભ તૂટી પડે. આવા સંજોગોમાં સ્મીમેર હોસ્પીટલના ફરજ પરના ડોકટરો કોરોનાગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખી તેમનું મનોબળ મજબુત કરી તેમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી રહયા છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ હજારો દર્દીઓની પરિસ્થિતિ સમજીને તમામ સારવારનો ખર્ચ ઉઠાવી તેઓને રાહત આપી છે.
સુરત
જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલથકી સલામતી માસની ઉજવણી
પાંચ દિવસમાં ૧૫ જેટલી ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલો યોજાઈઃ
સુરતઃશુક્રવારઃ- સુરતના ઔદ્યોગિક હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણીમાં આવી રહી છે. જેમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત છેલ્લા ચાર દિવસમાં ૧૩ જેટલી મોટી ઈન્ડસ્ટ્રીઝો, ફેકટરીઓમાં એલ.પી.જી.ગેસ ગળતર સમયે લાગેલી આગ, ઈથેનોલ ટેન્કમાં લીકેજ સમયે તકેદારીના કેવા પગલાઓ લેવા બાબતે મોકડ્રીલ યોજાઈ હતી. હજીરાની ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ, ક્રિષક ભારતી કો.ઓ.લી.કવસા ખાતે કન્વર્ટરમાંથી સિન્થેસીસ ગેસ લીકેજ ઉપરાંત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ), એલ.પી.જી. ગેસ લીકેજના કારણે લાગેલી આગ તથા ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી. હજીરા તેમજ એન.ટી.પી.સી.લી. કવાસ ખાતે કલોરીન ગેસ લીકેજ ને શેલ એનર્જી ઈન્ડિયા પ્રા.લી. ખાતે નેચરલ ગેસ લીક થતા આગના બનાવો અંગે મોકડ્રીલો યોજાઈ
આજરોજ સચીન જી.આઈ.ડી.સી.માં આવેલી કલરટેક્ષ કંપનીમાં ઈથીલીન ઓકિસજન ગેસ લીકેજ તથા સી.ટી.એકસ લાઈફ સાયન્સ પ્રા.લિ.માં કલોરીન ગેસ ગળતર અંગેની મોકડ્રીલ યોજાઈ હતી.
મહાકાય ઈન્ડસ્ટ્રીઝો અને જી.આઇ.ડી.સી.માં આવેલી ફેકટરીઓમાં ઓનલાઈટ ઈમરજન્સી જાહેર કરીને ફેકટરીના પોતાના સાધનો અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને પોતાના પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીઓ અને સરાકારી શ્રમ અધિકારીઓ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાવેલી તૃટિઓની પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારખાનના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા હવે પછીના મોકડ્રીલમાં જણાવેલી તૃટિઓનુ પનુરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા જણાવ્યું હતું.
સુરતના અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટનું જાહેરનામું:
ઘરમાં જ બે ફુટ
સુધીની ગણેશમૂર્તિનુ; સ્થાપન કરી શકાશેઃ વિસર્જન પણ ઘરમાંજ કરવાનું
રહેશેઃ
જાહેરમાં કે
સોસાયટીમાં મેળાવડા કરીને ગણેશોત્સવની સામુહિક ઉજવણી કરવા પર પ્રતિબંધ.
ગણેશ મહોત્સવમાં
મૂર્તિકારો મૂર્તિ બનાવટમાં કાળજી રાખેઃ
સૂરતઃશુક્રવારઃ- કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે. આગામી ગણેશ મહોત્સવના તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું તા.૨૨/૦૮/૨૦૨૦ ના રોજ સ્થાપના થનાર છે. અને મૂર્તિઓનું વિસર્જન, સરઘસ તા.૦૧/૦૯/૨૦૨૦ ના રોજ નીકળનાર છે. આ મહોત્સવ અગાઉ કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય એ માટે સરકારની માર્ગદર્શિકાને અનુસરી કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. જે અંતર્ગત મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઉચાઇનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય, ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય, શાંતિ અને સદભાવનાનો માહોલ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલારૂપે સૂરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સંજય વસાવાએ સમગ્ર સૂરત (રૂરલ) વિસ્તારમાં જરૂરી નિયંત્રણો મુકયા છે.
આ જાહેરનામા અનુસાર તા.૦૨/૦૯/૨૦૨૦ સુધીમાં નીચેના પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
Ø શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૨ (બે) ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા ઉપર
Ø વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સ્થળે કૃત્રિમ ઓવારા કે મૂર્તિ સ્વીકાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે નહિ. માટીની મૂર્તિઓનું વિસર્જન દરિયા, નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોમાં કરવા પર પ્રતિબંધ છે.
Ø ગણેશજીની મૂર્તિની સ્થાપના માટે જાહેરમાં મંડપ, પંડાલ ઉભું કરી શકાશે નહીં. તેમજ ધાર્મિક વિધિ માટે લાઉડ સ્પીકર કે ડી.જે.નો ઉપયોગ કરી શકાશે નહીં.
Ø મૂર્તિ સ્થાપના અને વિસર્જન દરમિયાન કોઈ કોઈ પણ ધાર્મિક શોભાયાત્રા કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ છે.
Ø જિલ્લામાં કોઈ પણ સ્થળે જાહેરમાં કે સોસાયટીમાં, સોસાયટીના કોમન પ્લોટમાં, રસ્તા શેરી મહોલ્લામાં મંડળો દ્વારા મૂર્તિ સ્થાપના કરી શકાશે નહિ.
Ø મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે. તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી. ટ્રાફિકને અડચણ થાય તેવી રીતે ખુલ્લી જગ્યાઓ પર રાખવી નહિ.
Ø શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થપાના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહી.
Ø મૂર્તિઓની બનાવટમાં ઝેરી કેમિકલનો ઉપયોગ ન કરવો.
Ø કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.
Ø ગણેશવિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાંમાં જાહેરજનતાને આપવામાં આવેલા સૂચન અનુસાર જિલ્લાના નાગરિકો પોતપોતાના ઘરે બે ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકશે. અને વિસર્જન પણ ઘરે જ કરવું. જેમાં કોઈ ઓનલાઈન કે અન્ય અરજી કરી પરવાનગી લેવાની રહેતી નથી. જાહેરમાં કે સોસાયટીમાં મેળાવડા કરીને સામુહિક ઉજવણી કરવા પર પ્રતિબંધ છે. ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ વયના વડીલોએ બહાર ન નીકળતાં ઘરે જ સુરક્ષિત રહેવું.
No comments:
Post a Comment